ઘટના@સુરત: SMCનું ડમ્પર કાળ બની ત્રાટક્યું,નોકરીએ પહોંચે એ પહેલાં જ મહિલાને કચડી નાંખી

 
ટેન્કર

ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો. તેમજ ચાલકને ટોળાએ માર મારી અધમૂઓ કર્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. મૃતક મહિલા મનીષાબેન બારોટ દિવ્યાંગ છે. તેમના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે. મનીષાબેન રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે.

આજે સવારે તેઓ નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતાં નીચે પટકાઇ ગયા હતા. ત્યાર બાદ તેમને કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુંઆ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.