ઘટના@સુરેન્દ્રનગર: લોકમેળામાં મોટા ચકડોળ પરથી પટકાતા 12 વર્ષની સગીરાનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરના વઢવાણમાં યોજાયેલા લોકમેળામાં મેળામાં રાઈડની મજા માણવા ગયેલી 12 વર્ષની સગીરા મોટા ચકડોળમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું હતું.વઢવાણ લોકમેળામાં મોડી રાત્રે સગીરા પાલખીવાળા મોટા ચકડોળની રાઈડમાં બેઠી હતી.દરમિયાન કોઈ કારણસર તે રાઈડ પરથી નીચે પટકાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી મેળામાં હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ચકડોળની રાઈડ પરથી નીચે પટકાતા 12 વર્ષની સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી સગીરાનું કરુણ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મૃતક 12 વર્ષની સગીરા પોલીસ કર્મીની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. સગીરાના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. લોકમેળામાં બનેલી આ ઘટનાને પગલે રાઈડની સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના સંજોગોને લઈને પણ સવાલો ઊભા થયા છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વઢવાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

