ઘટના@ઉજજૈન: વિખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં ભીષણ આગ, સમગ્ર મંદિર સંકુલમાં અફડાતફડી મચી

 
આગ
ગણતરીની મીનીટોમાં સમગ્ર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મધ્યપ્રદેશના ઉજજૈન સ્થિત વિખ્યાત મહાકાલેશ્વર મંદિરના ગેટ પર આજે અચાનક ભીષણ આગ લાગતા નસભાગ મચી ગઈ હતી. શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનું જાહેર થયુ હતું.આજે બપોરે અંદાજીત 12 વાગ્યાના અરસામાં મહાકાલ મંદિરના એક નંબરના ગેટ પર અચાનક આગના લબકારા દેખાયા હતા અને જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતુ જેને પગલે સમગ્ર મંદિર સંકુલમાં અફરાતફરી મચી હતી.

મંદિરના સુવિધા કેન્દ્ર પાસે આવેલા પ્રદ્યુમન બોર્ડના કંટ્રોલરૂમમાંથી આગની શરૂઆત થઈ હતી અને ગણતરીની મીનીટોમાં સમગ્ર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ હતી. મહાકાલ મંદિર સંકુલમાં આગ લાગવાનુ સ્પષ્ટ કારણ બહાર આવ્યુ નથી છતાં પ્રાથમીક તપાસમાં શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનુ બહાર આવ્યુ છે. સમગ્ર ઘટનાની તપાસ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. માહિતી મળતા જ ફાયરબ્રિગેડનો કાફલો ધસી ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું. આગના લબકારા આકાશ તરફ ઉઠવા સાથે ધુમાડાના ગોટેગોટા હતા. ઉજજૈનના કલેકટર-પોલીસવડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તાત્કાલીક અસરથી નંબરના ગેટ પરથી આવનજાવન અટકાવી દેવામાં આવી હતી. આગની જવાળા-ધુમાડા દુર દુરથી જોવા મળ્યા હતા.