બનાવ@ઉના: પાક ધોવાઈ જતા ખેડૂતે પથ્થર બાંધી કુવામાં ઝંપલાવ્યું, વિસ્તારમાં અરેરાટી ફેલાઈ

 
ઘટના
પરિવારના કરૂણ આંક્રદથી ગ્રામજનોના હૃદય દ્રવી ઉઠયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કમૌસમી વરસાદના પગલે જગતનાં તાતને મોઢે આવેલો કોળીયો ઝુંટવાઈ જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્રણ દિવસમાં બે ખેડૂતોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. આજે ઉના તાલુકાનાં રેવદ ગામે ખેડૂતે પથ્થર બાંધી કુવામાં પડી જીવ દેતા નાના એવા રેવદ ગામ સાથે ગીર સોમનાથ જિલ્લામાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. કમૌસમી વરસાદથી પાકને નુકશાન થતાં ખેડૂતો આપઘાતના માર્ગે વળ્યા છે.

ઉના તાલુકાનાં રેવદ ગામે રહેતા ગફારભાઈ મુસાભાઈ ઉનડજામ કમૌસમી વરસાદથી ખેતરનો પાક ધોવાઈ જતા ચિંતાતુર હોય જે કારણે પોતાની જાતે જ શરીરે પથ્થર બાંધી 50 ફુટ ઉડા કુવામાં પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ઉના દવાખાને મોકલ્યો હતો. આત્મહત્યા કરનાર ગફારભાઈને સંતાનમાં 4 દિકરી અને એક પુત્ર છે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે સમગ્ર પરિવારના કરૂણ આંક્રદથી ગ્રામજનોના હૃદય દ્રવી ઉઠયા હતાં.કમૌસમી વરસાદથી થયેલ નુકશાની થતા સર્વત્ર સહાયની માંગણી ઉઠી રહી છે.