ઘટના@ઊંઝા: વૂડન વર્ક્સ ફેક્ટરીમાં આગ લાગતા અફરા-તફરી મચી, 9 કલાકે આગ કાબૂમાં આવી

9 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઊંઝા હાઈવે પર આવેલી વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં અફરા-તફરી સર્જાઈ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા બાદમાં લાટી સળગી હતી. ભગવતી વૂડન વર્ક્સ નામની ફેક્ટરીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઈને ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુ, આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કર્યો હતો. જેને લઈ મહેસાણા ઓએનજીસી, મહેસાણા મહાનગરપાલિકા, પાટણ, પાલનપુર વિસનગર સહિતના ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા કર્યા હતા અને 9 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગને કારણે વૂડન ફેક્ટરીમાં રહેલો સામાન, શોરૂમમાં રહેલી ચાર રિક્ષા અને છ જેટલા બાઈકો ખાખ થઈ જવા પામ્યા હતા. નજીકમાં આવેલી અંબિકા લાટીમાં ઇમારતી લાકડું બળી ગયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.