ઘટના@વડોદરા: એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પડી જવાથી 14 વર્ષની બાળકીનું દુઃખદ મોત

 
ઘટના
આ કરુણ ઘટના માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પડી જવાથી 14 વર્ષની બાળકીનું દુઃખદ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વાઘોડિયા રોડ પર આવેલા સિદ્ધનાથ પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષીય ધ્રુવિબેન અમિતકુમાર શાહ મકાનની બાલ્કનીમાં સૂકવેલા કપડા લેવા માટે ગઈ હતી.આ દરમિયાન એક કપડું બાલ્કનીની બહાર વાછેટિયા પર પડતાં તે કપડું લેવા માટે લોખંડની ગ્રિલ પકડી આગળ વધવા ગઈ હતી. દુર્ભાગ્યવશ, ગ્રિલ હાલતી અથવા યોગ્ય રીતે ફિટ ન હોવાના કારણે સંતુલન બગડતાં ધ્રુવિબેન પાંચમા માળેથી નીચે પટકાઈ હતી.

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતાં એમ્બ્યુલન્સ મારફતે વિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન ધ્રુવિબેનનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ધ્રુવિબેન ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી અને તેના પરિવારને એક નાનો ભાઈ પણ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકગ્રસ્ત પરિવાર હાલ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. આ કરુણ ઘટના માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન છે.