ઘટના@વડોદરા: શ્રમિક દંપતીની 5 મહિનાની દીકરીનુ બિલ્ડરની કાર નીચે કચડાઈ જવાથી કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના ભાયલી વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિક દંપતીની 5 મહિનાની દીકરી અનન્યાનું બિલ્ડરની કાર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. માતા-પિતા કામમાં વ્યસ્ત હતા અને દીકરી ગેટ પાસે ગોદડીમાં સૂતી હતી. ત્યારે જ કાળ બનીને આવેલી ઇનોવા કારે પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી. મૂળ દાહોદ જિલ્લાના અને હાલ શેરખી ગામે રહેતા વિનુભાઈ પણદા પોતાની પત્ની માનસી અને બે બાળકો સાથે ગુજરાન ચલાવવા કડિયાકામ કરે છે.
છેલ્લા ચાર દિવસથી આ પરિવાર ભાયલીની 'સોપાન-55' સાઇટ પર પેવર બ્લોક નાખવાનું કામ કરી રહ્યો હતો. 19 ડિસેમ્બરની સવારે વિનુભાઈ અને માનસીબેન કામે લાગ્યા હતા. માનસીબેને પોતાની 5 મહિનાની દીકરી અનન્યાને સાઇટના ગેટ પાસે ગોદડી પાથરીને સુવડાવી હતી, જ્યારે તેમનો નાનો દીકરો આર્યન બાજુમાં રમતો હતો.સવારે 9.30 વાગ્યાના અરસામાં સાઇટના બિલ્ડર જીતુ પટેલ પોતાની ઇનોવા કાર લઈને સાઇટમાં પ્રવેશ્યા હતા. ગેટ પાસે સૂતેલી નાનકડી અનન્યા પર કારનું આગળનું ટાયર ફરી વળ્યું હતું. બાળકીના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં તેની ચીખ નીકળી ગઈ હતી. બાજુમાં રમતા ભાઈ આર્યનની બૂમો સાંભળી માતા-પિતા દોડી આવ્યા હતા.
બાળકીને તાત્કાલિક ભાયલીના સરકારી દવાખાને અને ત્યારબાદ 108 મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ અનન્યાને મૃત જાહેર કરી હતી. પોતાની નજર સામે જ ફૂલ જેવી દીકરીનો દેહ વિખરાઈ ગયેલો જોઈ માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.વડોદરા તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાઇટ પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે જેથી અકસ્માતની ચોક્કસ વિગતો જાણી શકાય.

