બનાવ@વડોદરા: ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા યુવકે જીવન ટુંકાવ્યું, ઓનલાઇન ગેમે લીધો જીવ

 
ક્રાઇમ

પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી

અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

નાના બાળકોથી લઈને યુવાનો અને મોટા વયના લોકો પણ ઓનલાઇન ગેમનું ભારે એડિકશન જોવા મળે છે પરંતુ ઓનલાઇન ગેમ રમવાનો આ ચસકો કયારેક જિવલેણ સાબિત થઇ શકે છે ત્યારે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. 28 વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા જીવન ટુંકાવ્યું છે.

એલેમ્બિક રોડ એફ.સી.આઇ.ગોડાઉનની બાજુમાં અર્પિતા કોમ્પલેક્સમાં રહેતો ૨૮ વર્ષનો આનંદ રામચંદ્ર દાનાવડે મજૂરી કામ કરતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો જયારે તેના પિતાનું અવસાન થયું છે. આનંદને ઓનલાઇન ગેમ રમવાનો ચસકો લાગ્યો હતો. આનંદ પાસે નવો ફોન ખરીદવાના પૈસા નહોતા તો તેણે જૂનો મોબાઇલ ફોન રિપેર કરાવ્યો હતો. મોબાઇલ ફોન પર તે ઓનલાઇન ગેમ રમતો હતો. યુવાન આનંદ દાનાવડે ડ્રેગન ટાઈગર નામની ગેમ ઓનલાઇન રમતો હતો.

ગઇકાલે સાંજે તેણે ઘરે પંખાના હુક સાથે રુમાલ બાંધીને આપઘાત કરી લીધો હતો.થોડા સમય પછી તેની ભાણી ઘરે આવતા દરવાજા ખુલ્લા હોય તેણે અંદર જઇને જોયું તો આનંદે આપઘાત કરી લીધો હતો. તેણે આ અંગે પરિવારજનોને જાણ કરી હતી. પરિજનોએ સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આનંદ ડ્રેગન ટાઈગર નામની ગેમના રવાડે ચઢી ગયો હતો. જેમાં તે રૂપિયા હારી જતા તે ટેન્શનમાં આવી ગયો હતો. આ ટેન્શનના કારણે તેને તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.તેનો મોબાઇલ ફોન લોક હોવાથી વધુ વિગતો મળી નથી. ફોનનું લોક ખોલી પોલીસ ગેમ અંગેની વિગતો મેળવશે. પોલીસે ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરી છે.