ઘટના@વડોદરા: ધો.10ની વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના માંજલપુર સ્થિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મકરપુરા વિસ્તારના પોતાના મકાનની બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીએ સ્કૂલથી આવ્યા બાદ ટેરેસ પર જઈને નીચે પડતું મૂક્યું હતું. ધડાકાભેર અવાજ આવતાની સાથે સ્થાનિકો સહિત પરિવારજનો નીચે દોડી પહોંચ્યા હતા. સમગ્ર મામલે જાણ કરતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના મકરપુરાની રાધે રેસિડેન્સીમાં રહેતી અને માંજલપુર સ્થિત અંબે સ્કૂલમાં ધોરણ-10માં ભણતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વિદ્યાર્થિની સ્કૂલથી ઘરે આવ્યા બાદ બિલ્ડિંગના પાંચમા માળે પહોંચી હતી અને અચાનક ટેરેસ પરથી નીચે પડતું મૂકી દીધુ હતુ. જેને પગલે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે જાણ કરતાં મકરપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતક વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલ્યો છે. આપઘાત પાછલનું સાચું કારણ જાણવા પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના પરિવારજનો, સ્કૂલના સહપાઠી અને શિક્ષકો સહિતની પૂછપરછ કરી વધુ તપાસ કરવામાં આવશે.

