ઘટના@વડોદરા: ઈન્ડિયન ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ, આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ

 
ઘાટના
ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં આજે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અહીં બપોરે એક ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાથી આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં અનેક મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા.

આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા. આ આગના કારણે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ દસ જેટલા વાહનો તેમજ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા આ ઘટનામાં તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવાયું હતું.નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે.