ઘટના@વડોદરા: એસએસજી હોસ્પિટલમાં લાગી આગ, તાત્કાલિક ખાલી કરાવાયું ઓપરેશન થિયેટર

 
આગ

ઘટનામાં તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલ ના ઇએન્ડટી વિભાગના ઓપરેશન થીયેટરમાં આજે સવારે એકાએક આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા જ દાંડીયા બજાર ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટના સમયે ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કોઇ જાનહાની નહી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એસએસજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ આવેલી છે. પરંતુ તે અસરકારક રીતે કાર્યરત નથી. તાજેતરમાં જ ફાયર વિભાગ દ્વારા સેફ્ટી સંદર્ભે એસએસજી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી હતી.

વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ માં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.સ્વિચ પાડ્યા બાદ મશીનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ઘટનામાં તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ ઘટના બાદ ઓપરેશન થીયેટર નજીકના વોર્ડમાં દાખલ દર્દીઓને તાત્કાલીક અન્યત્રે શીફ્ટ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં કોઇ જાનહાનીના થઈ નથી. સએસજી હોસ્પિટલના મહિલા સર્વન્ટ જણાવે છે કે, સ્વીચ ચાલુ કરવા ગયા અને એકદમ ભડાકો થયો. દરમિયાન ડોક્ટર દર્દીનું ડ્રેસીંગ કરી રહ્યા હતા. દર્દીઓને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. એનેસ્થેસીયા વાળાઓ માટેની જે ટ્રોલી આવે છે, તેમાં એકદમ અવાજ આવવા માંડ્યો. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા ફાયર વિભાગ દ્વારા સેફ્ટીને લઇને ઠેર ઠેર ચેકીંગ કર્યું હતું. એસએસજી હોસ્પિટલમાં ચેકીંગ દરમિયાન ફાયર સેફ્ટી સિસ્ટમમાં અનેક ક્ષતીઓ જણાઇ આવી હતી. જેને લઇને એસએસજી હોસ્પિટલ તંત્રને નોટીસ પણ ફટકારવામાં આવી હતી.