ઘટના@વડોદરા: 15 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, શહેરમાં ભારે આક્રોશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા જૂના આશાપુરી વિસ્તારમાં 15 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને શહેરમાં ભારે આક્રોશ ફેલાયો છે. પીડિત કિશોરીના સ્વજનોએ SSG હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓને કડક સજા આપવાની માંગ ઉઠાવી છે. આરોપીઓએ માનસિક રીતે અસ્વસ્થ સગીરાને ફોસલાવીને એક મકાનમાં લઈ જઈ ચાર કલાક સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સવારે ઘરેથી નીકળી હતી અને ચાર કલાક સુધી ગુમ રહી હતી. બાદમાં ઘટનાની જાણ પરિવારને થતાં તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.
ઘટના બાદ સગીરાને મેડિકલ ચેકઅપ માટે SSG હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દરમિયાન પીડિતાના પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે ફતેગંજ પોલીસે શરૂઆતમાં કલાકો સુધી કોઈ કાર્યવાહી કરી નહોતી અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈને ફતેગંજ પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સગીરા પર દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પીડિતાના પરિવારજનોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે.

