ઘટના@વડોદરા: તરસાલી બાયપાસ પાસે ભયાનક અકસ્માત, ડ્રાઇવરનો મૃતદેહ કટરથી પતરું કાપી બહાર કાઢ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તરસાલી બાયપાસ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. આ ઘટના વડોદરાના તરસાલી બાયપાસ પાસે બની હતી. એક ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવી હતી.તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ટ્રક બેકાબૂ બનીને પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું કે પાછળથી ટક્કર મારનાર ટ્રકના ડ્રાઇવરનો મૃતદેહ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે શક્ય ન બનતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનનો ઉપયોગ કરીને ટ્રકની કેબિનનું પતરું કાપવાનું શરૂ કર્યું હતું.
ભારે જહેમત બાદ ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢી શકાયો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રકના ડ્રાઇવરનું નામ અને સરનામું જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત ટ્રક ડ્રાઇવરની બેદરકારીના કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે તેણે પાર્ક કરેલી ટ્રકને ધ્યાન ન રાખતા ટક્કર મારી હતી.