ઘટના@વડોદરા: ઇસ્કોન હાઈટ્સમાં વિકરાળ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ, તાત્કાલિક 'મેજર કોલ' જાહેર

 
આગ
સમગ્ર 10 માળની બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે. ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભાયલી, દાંડીયા બજાર, વડીવાડી ફાયર બ્રિગેડ સહિતનો ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.