ઘટના@વડોદરા: મનપાની ઘોર બેદરકારીના કારણે નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનું મોત, જાણો વિગતે

 
દુર્ઘટના
પાઇપલાઇન કામગીરી દરમિયાન ખુલ્લી રહી ગટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે માંજલપુર વિસ્તારમાં એક હ્દયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઇન અને પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલુ હતી, પરંતુ ગટરનું મેનહોલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને યોગ્ય ચેતવણીના બોર્ડ કે બેરિકેડિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નહતું. આ કારણે રાત્રે ઘરે જતા નિવૃત્ત ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટના પુત્ર વિપુલસિંહ ઝાલા 30 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયા, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે.

નિવૃત્ત DYSP ના પુત્ર વિપુલસિંહ ઝાલા રાત્રે ઘરે જતા હતા તે દરમિયાન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકી બહાર પાઇપલાઇન નાખવાના કામને લીધે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. નજીકમાં લારીઓ અને મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો, તેમજ અંધારું હોવાથી ચેતવણીનું બોર્ડ દેખાયું નહીં. વિપુલસિંહ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. તેમની સાથે રહેલી મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને દોરડા અને અન્ય સાધનોની મદદથી અડધા કલાકની મહેનત બાદ વિપુલસિંહને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

આ ઘટનાએ તેમના પરિવારમાં ભારે આક્રંદ મચાવી દીધો છે અને વિસ્તારના લોકોમાં મનપા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે કામગીરી ચાલુ હોય તો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ, ખુલ્લા મેનહોલ પર બેરિકેડિંગ અને લાઇટિંગની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ તંત્રની બેદરકારીએ એક નિર્દોષ જીવ લીધો છે. આ ઘટના બાદ વડોદરામાં ખુલ્લી ગટરો અને મેનહોલના કારણે થતા અકસ્માતો પર ફરી ચર્ચા શરૂ થઈ છે.