ઘટના@વડોદરા: શેરડીના રસમાં ઝેર નાખીને પરિવારને પીવડાવતા 2નાં મોત, 2ની હાલત ગંભીર
સોની પરિવારના ચેતનભાઈએ શેરડીના રસમાં ઝેર નાખીને પરિવારને પીવડાવી દીધું હતું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક પરિવારને શેરડીના રસમાં ઝેર નાખીને પીવડાવી દેતા પિતા અને પત્નીનું મોત નિપજતા પતિએ બન્ને મૃતદેહોની પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીમાં ઝેર પીવડાવનારની પોલીસે ધરપકડ કરતાં તેણે પણ ઝેર પી લીધું હતું. જે તે યુવક હોસ્પિટલમાં દાખલ છે.તેનો દીકરો પણ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે.
મળતી માહિતી મુજબ વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારના ચેતનભાઈએ શેરડીના રસમાં ઝેર નાખીને પરિવારને પીવડાવી દીધું હતું. જેમાં ચેતનભાઈની પત્ની બિંદુબેન સોની અને પિતા મનોહરલાલ સોનીનું મોત નીપજ્યું હતું. જે બાદ ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે ચેતનભાઈની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેણે પણ ઝેર પી લેતા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.સમગ્ર મામલે પોલીસે ચેતનભાઈ વિરૂધ્ધ 302ની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા ઘર બહાર ઝાળીમાં ચેતનભાઈના પિતા મહોનહરભાઈ અને પત્ની બિંદુબેનના અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા. આ તકે પડોશીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી ભાડે રહેતા હતા પરંતુ ક્યારેય કોઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળતું નહોતું. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ છે.