ઘટના@વલસાડ: ઉમરસાડી નજીક પારનદીમાં બોટ પલટી જતા કરુણાંતિકા, દોઢ વર્ષનું માસૂમ બાળક નદીમાં ગૂમ

 
વલસાડ
6 લોકોને બચાવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડ જિલ્લાના ઉમરસાડી નજીક આવેલા લક્ષ્‍મીનારાયણ મંદિરથી લાલજીબાપાની મૂર્તિને દરિયા-નદીના સંગમ સ્થાને સ્નાન કરાવવાનો ધાર્મિક પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાઈ ગયો હતો. એક જ ફળિયાના સ્થાનિક લોકો બોટમાં બેસીને લાલજીબાપાની મૂર્તિને પવિત્ર સ્નાન કરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પાણીમાં માછલી પકડવાના દોરા સાથે ફસાઈ ગઈ હતી. બોટ પરનો કાબૂ ગુમાવતાં બોટ નજીકના પથ્થર સાથે જોરદાર ટકરાઈ હતી અને ક્ષણવારમાં પારનદીમાં ઊંધી વળી ગઈ હતી.

બોટ પલટી મારતાં જ તેમાં સવાર તમામ 7 જેટલા શ્રદ્ધાળુઓ નદીના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી રહેલા લોકોની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત પ્રયાસો કરીને 7 પૈકી 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા હતા. એક મહિલાના હાથમાંથી તેનું દોઢ વર્ષનું અબોધ બાળક છૂટી જતાં તે પારનદીના વહેણમાં ગરકાવ થઈ ગયું હતું. માસૂમ બાળક નદીમાં ગૂમ થઈ જતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ ચંદ્રપુર લાઈફ સેવા ગ્રૂપના સ્થાનિક તરવૈયાઓ, વલસાડ અને પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો, 108 એમ્બ્યુલન્સ તેમજ વલસાડ રૂરલ અને પારડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પારડી પી.આઈ.ની આગેવાની હેઠળ ફાયર ફાઈટરો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પારનદીના ઊંડા પાણીમાં ગૂમ થયેલા દોઢ વર્ષના બાળકની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.