ઘટના@અમદાવાદ: નેશનલ હાઇસ્કૂલના દરવાજે ધોળા દિવસે ધોરણ 10ના વિદ્યાર્થી જીવલેણ હુમલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ હાઇસ્કૂલના દરવાજે ધોળા દિવસે વિદ્યાર્થી પર હુમલાની ઘટના ઘટવા પામી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની તૈયારીઓ વચ્ચે શાળાએ પરીક્ષા આપીને સવારે 11 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે શાળાથી માત્ર 100 મીટરના અંતરે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ACP જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ ત્રણ મહિના જૂની તકરાર જવાબદાર છે.
શાળાના જ એક વિદ્યાર્થી સાથે અગાઉ બોલાચાલી થઈ હતી, જેનું વેર રાખતા તેજ વિદ્યાર્થીના ભાઈઓ અને અન્ય બહારના યુવકો કુલ અંદાજે 8 શખ્સો હથિયારો સાથે શાળા બહાર ધસી આવ્યા હતા. હુમલાખોરોએ વિદ્યાર્થી પર છરી અને માથામાં 'કડૂ' વડે હુમલો કર્યો હતો. આ બબાલમાં કુલ ત્રણ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે, જેમાં એકને માથાના ભાગે ગંભીર ઈજા અને બીજાને આંગળી પર ઈજા થઈ છે.નેશનલ હાઇસ્કૂલના સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના વિદ્યાર્થીઓ નથી, પરંતુ બહારથી આવેલા તત્વો છે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ DEO પાસે સત્વરે અહેવાલ માંગ્યો છે. DEOએ શાળા સંચાલકો સાથે વાત કરી સમગ્ર વિગતો મેળવી છે અને સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના નથી.
સેવન્થ ડે સ્કૂલ બાદ બનેલી આ બીજી ઘટનાને પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઘાટલોડિયા પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ રાયોટિંગ અને મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં 8 જેટલા હુમલાખોરોની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

