ઘટના@અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર અચાનક આગ ભભુકી! ગાંધીબ્રિજ નીચે પાર્ક કરેલી બોટ ભડકે બળી

 
ઘટના
આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજની નીચે નદીના કિનારે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલા જાગૃત વાહનચાલકો અને નાગરિકોની નજર આગની ગંભીર લપેટો પર પડતાં જ તેમણે ફાયરબ્રિગેડને આ અંગેની તાત્કાલિક જાણ કરી હતી. કૉલ મળતાં જ  ફાયર વિભાગના 2 ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.હાલ નદીમાં બોટિંગ એક્ટિવિટી બંધ હોવાના લીધે આ બોટ ગાંધીબ્રિજની નીચે બંધ હાલતમાં પાર્ક કરેલી હતી. બોટમાં આગ એટલી ઝડપથી પ્રસરી રહી હતી કે નીચે પહોંચવામાં સમય બગડે તેમ હતો.

આથી ફાયરના જવાનોએ ગાંધીબ્રિજની ઉપરથી જ બોટ તરફ પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર ટીમે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. બોટ લાંબા સમયથી બંધ હોવાને કારણે તેમજ ઘટના સમયે આસપાસ કોઈ લોકો હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. જો કે, આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.