ઘટના@અમદાવાદ: ડમ્પરે મોપેડ સવાર દંપતીને ફંગોળતા મહિલાનું કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આજે અમદાવાદના નારણપુરામાં ડમ્પરે મોપેડ સવાર દંપતીને ફંગોળતા હૈયું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. જેમાં મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.મેમનગર વાળીનાથ ચાર રસ્તા પાસે મોપેડ હંકારી મનોજભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ગાયત્રીબેન પ્રજાપતિ જઈ રહ્યા હતા. પરંતુ કાળની ચોથી ઘડીએ ડમ્પર યમરાજ બનીને આવતા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં પત્ની ગાયત્રીબેન પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
જ્યારે ચાલક મનોજભાઇને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ડમ્પર ચાલક દંપતીને ફંગોળીને નાશી છૂટયો હતો. ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા હતી. જે બાદ અકસ્માતે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. અકાળે પત્નીનું મોત થતાં ચાલક મનોજભાઇ આઘાતમાં સરી પડ્યા છે. તેમજ પરિવાર અને પ્રજાપતિ સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. શહેરી વિસ્તારમાંથી ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થવા અંગે તંત્રનું જાહેરનામું હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી પુરઝડપે ડમ્પરો પસાર થતાં અગાઉ પણ અનેક લોકોના મોત નીપજી ચુક્યા છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

