ઘટના@અમદાવાદ: નારોલની ડીવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

 
આગ

શોર્ટ સર્કિટના કારણે શાળામાં આગ લાગી હોવાનું અનુમાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. શહેરના નારોલ વિસ્તારની શાળામાં આગ લાગી છે. નારોલમાં આવેલી ડીવાઈન લાઈફ ઈન્ટરનેશનલ સ્કુલમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી અને 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સુરક્ષાના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં શહેરમાં છેલ્લા 1 અઠવાડિયામાં આગની આ બીજી ઘટના બની છે.

સ્કૂલમાં આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આવીને આગને કાબૂમાં લીધી. જો કે સારી વાત એ છે કે આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ત્યારે શોર્ટ સર્કિટના કારણે શાળામાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિકોલના અરીહંત એસ્ટેટમાં 3 દિવસ પહેલા આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે કામદારોના મોત થયા હતા. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.