બનાવ@બોટાદ: પિતાએ ટ્રેન નીચે માસૂમ પુત્ર સાથે કૂદી આપઘાત કર્યો, કુંડલી ગામના ફાટક પાસે બનેલી ઘટના

 
ઘટના

મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદ જિલ્લાના કુંડલી ગામની એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રેલવે ફાટક નજીક ગતરાત્રે એક યુવાને પોતાના માસુમ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાણપુરના ધારપીપળીયા ગામના હસમુખભાઈ પ્રભુભાઈ સાકરીયાએ આજે વહેલી સવારે પોતાના માસુમ પુત્ર કુલદીપ સાથે ટ્રેન હેઠળ પડતું મુકી આત્મહત્યા વ્હોરી લીધી હતી.

પોલીસમાંથી મળેલી વિગતો મુજબ, આપઘાત કરનાર હસમુખભાઈ સાકરીયા મુળ રાણપુર તાલુકાના ધારપીપળીયા ગામના રહેવાસી છે અને ગત રાત્રે મોટરસાઈકલ ઉપર પોતાના માસુમ પુત્ર કુલદીપને સાથે લઈ નીકળી ગયા બાદ બોટાદના કુંડલી ગામ પાસે આવેલા ફાટક નજીક મોટર સાઈકલ પાર્ક કરી પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં પિતા-પુત્રના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક પિતા પુત્રનાં મૃતદેહો હોસ્પિટલે ખસેડયા હતાં અને તેના પરિવારજનોને હોસ્પિટલે બોલાવી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.