ઘટના@ગાંધીનગર: ખાનગી કોલેજની વિદ્યાર્થીનીએ ક્લાસ રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર, કારણ અકબંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જાણીતી ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શૈક્ષણિક આલમ અને સાથી વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક વિદ્યાર્થિની ગાંધીનગરની ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં જ રહેતી હતી.
મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાનિયાતાર ગામની રહેવાસી 19 વર્ષીય યુવતીએ ગત રાત્રે હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે હોસ્ટેલના સંચાલકો અને અન્ય વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક હોસ્ટેલ પહોંચી ગયો હતો. પોલીસે રૂમનો કબજો મેળવી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
યુવતીએ આવું પગલું શા માટે ભર્યું તેના પાછળ અભ્યાસનું ભારણ છે, પારિવારિક કોઈ પ્રશ્ન છે કે અન્ય કોઈ અગમ્ય કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉભરતી જિંદગીના આવા અંતને કારણે કોલેજ કેમ્પસમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

