ઘટના@જામનગર: માતાના ઠપકાથી 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
માતાએ સાયકલ ચલાવવાની સામાન્ય બાબતે ઠપકો આપ્યો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા પરપ્રાતિંય પરિવારના નવ વર્ષના બાળકે ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવના પુત્રે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
શ્રમિકના નવ વર્ષના પુત્ર લક્કીએ ઘરે ગળે ફાંસો ખાઈ લેતા બાળકને બેશુદ્ધ અવસ્થામાં પરિવાર તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેનું મૃત્યું થયું હોવાનું જાહેર કર્યું હતું. મૃત બાળકને માતાએ સાયકલ ચલાવવાની સામાન્ય બાબતે ઠપકો આપ્યો હતો. માતાએ કહ્યું હતું કે તું સાયકલ કેમ ચલાવવા ગયો. માતાએ ઠપકો આપ્યા પાછી બાળકને માઠું લાગ્યું હતું, અને ઉશ્કેરાટમાં આવીને રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો હતો. પુત્રએ સામાન્ય બાબતમાં ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.