ઘટના@ખેડા: ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામમાં સ્મશાન નજીક આવેલી ગટરમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કળિયુગી માતા-પિતાએ પોતાની માસૂમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેને નિરાધાર સ્થિતિમાં ગટરમાં ફેંકીને મોતને હવાલે કરી દેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.પાંડવનિયા ગામના સ્મશાન પાસે આવેલી ગટરમાં કંઈક શંકાસ્પદ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કરી હતી. માહિતી મળતા જ ડાકોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી બાળકીના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો હતો.પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય કોઈ નિષ્ઠુર માતા-પિતા દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાય છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં આજે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેનાથી મૃત્યુના ચોક્કસ કારણો જાણી શકાશે.

