ઘટના@નવસારી: દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા, 2નો બચાવ, 4 લોકો હજુ ગુમ

 
નવસારી
ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા જેમાંથી બે લોકોનો બચાવ થયો છે અને ચાર લોકો ગુમ થયા છે. આજે રજા હોવાથી લોકો નવસારીના દાંડીના દરિયાકાંઠે ફરવા અને ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન છ લોકો  દરિયામાં ડૂબ્યા હતા. જોકે આ તમામે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પોલીસ જવાનો અને હોમગાર્ડ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે પુરૂષોને બચાવી લીધા હતા. જોકે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે.

તરવૈયાઓ આ તમામને શોધી રહ્યા છે. જેમાં એક મહિલા, એક યુવતી અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, દરિયામાં ગુમ થયેલા લોકો ખડસૂપાના રહેવાસી છે. ઉનાળાની સીઝનમાં લોકો દરિયા અને નદીઓમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત અઠવાડિયામાં ભાવનગર અને પોરબંદરના દરિયામાં પણ આવી ઘટના બની હતી.ગત મંગળવારે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્રો કોળીયાકના દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા. અચાનક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર ખેંચી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક દરિયામાં ગરકાવ થઈ જતા મોત થયું હતું.

ગત ગુરૂવારે પોરબંદરના ચોપાટી નજીક નાદરિયામાં એક મહિલા અને એક બાળક દરિયામાં ડૂબ્યા હતા. જોકે, અહીંના માછીમાર રાજુભાઇ સોલંકી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે મહિલા અને બાળકને ડૂબતા બચાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. તાત્કાલિક બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમા પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું અને મહિલાની હાલત ગંભીર છે.