ઘટના@સુરત: ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, એકનું મોત, 4 લોકો ગંભીર

 
સુરત
જોતજોતાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતાં સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકાર લોકો ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઇલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે તે પ્રશ્ન લોકોને મૂંજવી રહ્યો છે.  અવાર નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટની ઘટના સામે આવે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઇ-બાઇકની બેટરીને ચાર્જીંગ મુકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતાં આગ લાગતાં 18 વર્ષની એક યુવતિનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી છે. આ આગ જોતજોતાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતાં સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હતો. જેના લીધે ઘરમાં હાજર સભ્યો આગની ચપેટમાં આવી ગયા હતા અને આ ચારેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં 1 મહિલા, 1 બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નિકળી પ્રયત્ન કર્યો હતો જેમાં તે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં મુકવામાં આવ્યું હતું. આખી રાત ચાર્જિંગમાં પડી રહેતા બ્લાસ્ટની ઘટના સર્જાઇ છે અને જેના આગ લાગી હતી.