ઘટના@સુરત: ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, જાણો વિગતે

 
ઘટના
સગીરોએ ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું એક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.ભોગ બનનાર વિદ્યાર્થી બે-ત્રણ દિવસ પહેલા પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત કાવતરું રચીને બેઠેલા ચાર સગીરોએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આ મામલે અત્યંત ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ વિદ્યાર્થીએ ટકોર કરી હતી, જેનો ખાર રાખીને આ સગીરોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી હથિયાર વસાવ્યું અને હુમલાને અંજામ આપ્યો હતો.ઘટનાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર ચારેય સગીરોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અટકાયત કરાયેલા ચાર પૈકી બે સગીરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય બે સગીરો રખડતા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો આ હિંસક માનસિકતા ધરાવતા સગીરો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.