ઘટના@સુરત: ગણપતિ આગમન દરમિયાન ટેબલ તૂટતાં ભાગદોડ; અનેક લોકો નીચે પટકાયા

 
ભાગદોડ
અવ્યવસ્થા સર્જાતા પોલીસની કામગીરી સામે સવાલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના રામચોક ખાતે "સરકાર" ગ્રુપના ગણપતિ આગમન દરમિયાન ફરી એકવાર અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડ બેકાબૂ બની હતી અને ધક્કામુક્કી તથા ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગણપતિ આગમન દરમિયાન વિડિયોગ્રાફર માટે બનાવવામાં આવેલા ટેબલ પર અનેક લોકો ચઢી ગયા હતા.ભીડ અને વજનના કારણે અચાનક ટેબલ તૂટી પડ્યું હતું. ટેબલ તૂટતાં તેના પર ઉભેલા અનેક લોકો નીચે પટકાયા હતા.

આ ઘટનાને પગલે આસપાસ હાજર લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.ટેબલ પડતાં અનેક લોકો નીચે પટકાયા હતા અને કેટલાક ભક્તોને પગમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતાં સ્થળ પર ધક્કામુક્કીની સ્થિતિ પણ સર્જાઈ હતી. ગણપતિ આગમન જેવા મોટા જાહેર કાર્યક્રમમાં ભીડ નિયંત્રણ અને આયોજનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે.ઘટના સમયે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભીડ વચ્ચે અવ્યવસ્થા સર્જાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને અગાઉ પણ આ જ સ્થળે ગણપતિ આગમન દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ફરીથી પૂરતી વ્યવસ્થા કેમ ન થઈ, તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ અગાઉ 23 ઓગસ્ટના રોજ ઘોડદોડ રોડ નજીક રામચોક ખાતે પહેલા "સરકાર" ગ્રુપના ગણપતિ આગમન દરમિયાન પણ અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનરે 3 પોલીસ સ્ટેશનના PI પાસે ખુલાસો માંગ્યો હતો.અગાઉની ઘટનાના થોડા જ દિવસોમાં ફરી એ જ સ્થળે ગણપતિ આગમન દરમિયાન અવ્યવસ્થા સર્જાતા આયોજન અને પોલીસ બંદોબસ્તની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.