ઘટના@સુરત: સૌથી મોટા મોલને ઉડાવી દેવાની ધમકી, 2 હજારથી વધુ લોકોને બહાર કાઢતા અફરાતફરી

 
મોલ

સાંજે 4 વાગ્યાની આસપાસ મેઈલ મળ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરના ડુમ્મસ રોડ પર આવેલ સૌથી મોટા વી.આર. મૉલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. હાલ તો પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મૉલને ખાલી કરાવાયો છે.હકીકતમાં સુરતના ડુમ્મસ રોડ પર આવેલ વી.આર. મૉલને એક ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જેટલા લોકોને બચાવવા હોય, તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.આ મેઈલ મળતા જ મૉલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેથી થોડીવારમાં ઉમરા પોલીસ મથકનો કાફલો, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે મૉલમાં રહેલ સ્ટાફ તેમજ ગ્રાહકો મળીને 2 હજારથી વધુ લોકોને બહાર નીકળવાનું જણાવતા થોડા સમય માટે અફરા તફરીના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો ડૉગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર મૉલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ અંગે એડિશનલ CP કે.એન. ડામોરે જણાવ્યું કે, સાંજે 4 વાગ્યાની આસપાસ મેઈલ મળ્યો હતો. હાલ મોલને ખાલી કરાવી દેવાયો છે. પોલીસની અલગ અલગ ટીમો સ્થળ પર છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવી રીતનો મેઈલ પુરા ઇન્ડિયામાં અલગ-અલગ 52 જેટલી જગ્યા પર કરવામાં આવ્યો છે.