ઘટના@સુરત: સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર

 
ઘટના
બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા 

અટલ સમાચાર ડોટ કોક, ડેસ્ક

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.