ઘટના@સુરેન્દ્રનગર: પાટડીમાં કંપારીજનક અકસ્માત, ડમ્પરની અડફેટે બાઇકચાલકના ચાર ટુકડા થઇ ગયા
આ અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવ સ્થળે દોડી ગયાં હતાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં માંતેલા સાંઢની માફક પૂરઝડપે દોડતા ડમ્પરના લીધે ગોઝારા અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં નિર્દોષ લોકો અકાળે મોતને ભેટી રહ્યા છે. ત્યારે પાટડી પંથકમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં પાટડી જૈનાબાદ રોડ પર પૂરઝડપે જતા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા તેના શરીરના ચાર કટકા થઇ ગયા હતા અને ઘટના સ્થળે જ બાઇક ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.
આ બનાવની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના જૈનાબાદનો 53 વર્ષનો શખ્સ સુજાતભાઈ એમદભાઈ સૈયદ પાટડી કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે એક ગેરેજની દુકાનમાં મિકેનિક તરીકે કામ કરે છે. ત્યારે આ શખ્સ જૈનાબાદથી મોટરસાઇકલ લઈ પાટડી ગેરેજમાં કામ કરવા જવા માટે નીકળ્યો હતો ત્યારે પાટડી પહોંચે એ પહેલાં જ એને મોતને ભેટો થયો હતો. પાટડી જૈનાબાદ રોડ પર ઉમિયાવિજય સોસાયટી પાસે પાછળથી માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પરે બાઈક સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જૈનાબાદથી પાટડી મોટરસાઇકલ પર ગેરેજમાં કામ કરવા જઈ રહેલા 53 વર્ષના શખ્સને બેફામ દોડતા ડમ્પરે ક્રૂર રીતે કચડી નાખ્યો હતો.
ત્યારબાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરાર ડમ્પર ચાલકને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવ સ્થળે દોડી ગયાં હતાં. ત્યારે મૃતક સુજાતભાઈ એમદભાઈ સૈયદ ઘરમાં કમાવનાર એકમાત્ર વ્યક્તિ હોવાથી એના અકાળે મોતથી પરિવારજનોએ રોકકળ અને આક્રાંદથી વાતાવરણમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.