ઘટના@ગુજરાત: ગીરગઢડામાં દીપડાના હુમલા વધતાં ફફડાટ, પાંચ કલાકમાં ચાર વ્યક્તિ પર ત્રાટક્યો

 
દીપડો
રેસ્ક્યુ ટીમના સભ્ય પર પણ હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગીરગઢડાના થોરડીની સીમમાં ખેતરે કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ હુમલો કર્યાના દોઢ કલાક બાદ બાજુની વાડીમાં કામ કરતા એક ખેડૂત પર આ જ દીપડો ત્રાટક્યો હતો અને બાદમાં તેને પકડવા નીકળેલી વનતંત્રની ટૂકડીમાંના એક કર્મચારીને પણ શિકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. એક દિવસમાં ચાર વ્યક્તિ પર દીપડાના હુમલાથી વિસ્તારમાં ભય ફેલાયો છે.આજે સવારે નવેક વાગ્યા આસપાસ થોરડી ગામની સીમમાં માલાભાઈ લાખાભાઈ મોઢકીયા અને તેનો ભત્રીજો દિવ્યેશ જેન્તી મોઢકીયા કેળાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં છુપાયેલા દીપડાએ પ્રથમ માલાભાઈ પર હુમલો કર્યો હતો. દિવ્યેશ બચાવવા પડતા દીપડાએ તેને પણ ન્હોર ભરાવી ખંભામાં ઈજા કરી હતી.

 

કાકા-ભત્રીજાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતા દીપડો બંનેને છોડી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત કાકા-ભત્રીજાને ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. આ બંનેની હજુ સારવાર ચાલી રહી હતી ત્યાં બાજુની વાડીમાં કામ કરતા કેશુભાઈ નારણભાઈ મોઢકીયા પર આ જ દીપડાએ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લઈ લોહીલોહાણ કરી નાખ્યા હતા. તેને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા છે. જેમાં એક દીપડો પાસે આવી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

 

વન વિભાગની ટીમ વાડી વિસ્તારમાં દીપડાને સર્ચ કરી રહી હતી ત્યારે દીપડાએ ગુસ્સે થઈ વન વિભાગના રોજમદાર કર્મચારી મનુભાઈ ખસીયા ઉપર હુમલો કરી તેના હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. મનુભાઈને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા વન વિભાગ અવનવા કિમીયા કરી રહ્યું છે પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો.