આંતરરાષ્ટ્રીયઃ નૉર્વેમાં રસીકરણ બાદ 23 લોકોનાં મોત, દુનિયાને ચેતવણી આપી

અટલ સમાચાર, ડેસ્ક
દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણને રોકવા માટે હાલ રસીકરણ ચાલી રહ્યું છે. આ દરમિયાન નૉર્વે તરફથી દાવો કરવામાં આવ્યો છે કે વેક્સીન આપ્યા બાદ 23 લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે નૉર્વેમાં અમેરિકામાં બનેલી ફાઇઝર વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે. નૉર્વેએ દાવો કર્યો છે કે રસીકરણ બાદ મોતને ભેટેલા લોકો વયસ્ક હતા. હાલ દેશમાં 33 હજાર લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રસીનો ડોઝ આપ્યા બાદ નોર્વેમાં જે મોત થયા છે તેમની ઉંમર 80 વર્ષથી ઉપર છે, અમુક લોકોની ઉંમર 90 વર્ષથી વધારે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નૉર્વેઝિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થે કહ્યુ છે કે, “ગંભીર બીમાર લોકો માટે સામાન્ય આડઅસર પણ ગંભીર પરિણામ આપી શકે છે. જેમનું જીવન ઓછું બચ્યું છે તેમના પર વેક્સીનનો લાભ કંઈ ખાસ ન જોવા મળી શકે છે.” ગત વર્ષે 26મી ડિસેમ્બરથી નૉર્વેમાં રસીકરણ શરૂ થયું હતું. નૉર્વે સરકારે કહ્યું છે કે વેક્સીન વૃદ્ધો અને પહેલાથી બીમાર હોય તેવા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નૉર્વેઝિયન મેડિસિન એજન્સીના જણાવ્યા પ્રમાણે 23 મોતમાંથી 13ની ઑટોપ્સી કરી દેવામાં આવી છે, જેના પરિણામોમાં સાબિત થયું છે કે વેક્સીનની સામાન્ય આડ અસર બીમાર અને વૃદ્ધો પર ગંભીર અસર કરી હતી.
નૉર્વેએ કહ્યુ છે કે આ ભલામણનો અર્થ એવો નથી કે યુવા અને તંદુરસ્ત લોકોએ રસી ન લેવી જોઈએ. જોકે, આ વાત પરથી એ વાત સાબિત થાય છે કે કોઈ પણ દેશે આ ગંભીરતા પર નજર રાખવી પડશે. યૂરોપીયન મેડિસિન એજન્સીના પ્રમુખ એમર કુકે કહ્યુ કે કોવિડ વેક્સીનની સુરક્ષા પર નજર રાખવી પડશે.