અટલ સમાચાર, ડેસ્ક
દુનિયાભરમાં કરોડો લોકોના આદર્શ રહેલા જેક માએ સરકારને આહ્વાન કર્યું હતું કે એવી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે ‘જે બિઝનેસમાં નવી ચીજોને શરૂ કરવાના પ્રયત્નોને દબાવવાના પ્રયાસ કરે.’ તેમણે વૈશ્વિક બેન્કિંગ નિયમોને ‘વૃદ્ધ લોકોની ક્લબ’ ગણાવ્યા હતાં. આ ભાષણ બાદ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ગઈ હતી. જેક માની ટીકાને કમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલા તરીકે લેવામાં આવી. ત્યારબાદ જેક માના ખરાબ દિવસો શરૂ થઈ ગયા અને તેમના બિઝનેસ વિરુદ્ધ અસાધારણ પ્રતિબંધ લગાવવાના શરૂ કરી દેવાયા.
ચીનના ત્રીજા નંબરના સૌથી મોટા અબજપતિ અને અલીબાબા સમૂહના માલિક જેક મા છેલ્લા 2 મહિનાથી ગૂમ છે. ચીનમાં ટેક્નોલોજીની દુનિયામાં રાજ કરનારા જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે વિવાદ બાદ છેલ્લા બે મહિનાથી ક્યાંય જોવા મળ્યા નથી. જેક માએ ચીનના ‘વ્યાજખોર’ નાણાકીય નિયામકો અને સરકારી બેન્કોની ગત વર્ષ ઓક્ટોબરમાં શાંઘાઈમાં આપેલા ભાષણમાં આકરી ટીકા કરી હતી.
નવેમ્બર મહિનામાં ચીની અધિકારીઓએ જેક માને જોરદાર ઝટકો આપ્યો અને તેમના એન્ટ ગ્રુપના 37 અબજ ડોલરના આઈપીઓને લટકાવી દીધો. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ મુજબ જેક માના એન્ટ ગ્રુપના આઈપીઓને રદ કરવાના આદેશ સીધા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી આવ્યા હતા. ત્યારબાદ જેક માને ક્રિસમસની પૂર્વ સંધ્યા પર કહેવાયું કે તેઓ ત્યાં સુધી ચીનની બહાર ન જાય જ્યાં સુધી તેમના અલીબાબા ગ્રુપ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પૂરી ન થાય.
ત્યારબાદ જેક મા પોતાના ટીવી શો આફ્રીકા બિઝનેસ હીરોઝથી નવેમ્બરમાં ફાઈનલની બરાબર પહેલા રહસ્યમય રીતે ગૂમ થઈ ગયા. એટલું જ નહીં તેમની તસવીરને પણ હટાવી લેવાઈ. અલીબાબા સમૂહના પ્રવક્તાએ કહ્યું કે જેક મા શિડ્યુલના વિવાદના કારણે હવે જજોની પેનલનો ભાગ નથી. જો કે આ શોની ફાઈનલના અનેક સપ્તાહ પહેલા જેક માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ તમામ સ્પર્ધકો સાથે મુલાકાતની પ્રતિક્ષા કરી શકતા નથી. ત્યારબાદથી તેમના ત્રણ ટ્વિટર એકાઉન્ટથી કોઈ પોસ્ટ થઈ નથી. આ અગાઉ તેઓ સતત ટ્વીટ કરતા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ચીનમાં અવાજને દબાવવાનો કિસ્સો જેક માનો પહેલો છે એવું નથી. ચીન મોટી સંખ્યામાં પોતાના દેશમાં અનેક એવા લોકોને નજરકેદ કરી ચૂક્યું છે જે કમ્યુનિસ્ટ પાર્ટી કે શી જિનપિંગ સરકારની નીતિઓની ટીકા કરે છે. આ અગાઉ શી જિનપિંગની ટીકા કરનારા પ્રોપર્ટી બિઝનેસમેન રેન ઝિકિયાંગ ગૂમ થઈ ગયા હતા. તેમને 18 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયા. ચીનના અન્ય એક અબજપતિ શિઆન જિઆનહુઆ વર્ષ 2017થી નજરકેદ છે.