આંતરરાષ્ટ્રીયઃ નાઈજિરિયામાં ચર્ચમાં અચાનક જ હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દેતા 50 લોકોના મોતથી ચકચાર

ગોળીબારના અવાજ વચ્ચે ચર્ચમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ હતો, જે ચીસોમાં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે.
 
દુર્ઘટના

અટલ સમાચાર, ડેસ્ક


નાઈજિરિયાના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા એક ચર્ચમાં રવિવારે અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. અચાનક જ હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દેતા 50 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કેટલાક બંદૂકધારી માણસો ઓવો શહેરમાં આવેલા સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ચર્ચમાં વિસ્ફોટ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકઠાં થયા હતા. ગોળીબારના અવાજ વચ્ચે ચર્ચમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ હતો, જે ચીસોમાં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે.

કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી
ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા પચાસ લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર રીતે નાઇજિરિયનના સત્તાધીશોએ મૃતકાંકની પુષ્ટિ કરી નથી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો મૃત્યુઆંકને પચાસ કરતાં વધુ જણાવી રહ્યું છે. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઉપરાંત હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે કે પછી આતંકવાદી હુમલો? પ્રશાસન આ અંગે કંઈ પણ કહેવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યું છે.

ઇતિહાસમાં આવી ઘટના બની નથીઃ જનપ્રતિનિધિ
ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, નાઈજીરિયાના સુરક્ષાકર્મીઓ આ હુમલા અંગે કંઈ બોલવા તૈયાર નથી. આ સિવાય હજુ સુધી શંકાસ્પદોનો કોઈ સુરાગ મળ્યો નથી. ઓવો શહેરના જનપ્રતિનિધિ ઓલુવોલેએ આ ઘટના વિશે કહ્યું છે કે, ‘ઓવોના ઈતિહાસમાં આટલી ભયાનક અને ક્રૂર ઘટના ક્યારેય બની નથી.’