ઓપરેશન કાવેરી@દેશ: સુદાનમાં અંધારામાં વિમાન ઉતારી કરાયું ભારતીયોનું રેસ્ક્યૂ, જાણો વિગત

 
Sudan

અટલ સમાચાર, ડેસ્ક

ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. આ કામમાં ભારતીય વાયુસેના અને નૌસેના કામે લાગી છે. ભારતીય વાયુસેનાએ એક સાહસી અભિયાનમાં 121 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ એક એવું અભિયાન હતું કે, જેની સફળતા કોઈ ચમત્કારથી ઓછી નથી અને આ મિશનને ભારતીય વાયુસેનાના જાબાંઝ જવાનોએ કરીને બતાવ્યું.

હિંસાગ્રસ્ત સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિમી દૂર વાડી સૈયદના પાસે 121 ભારતીયો ફસાયેલા હતા. અહીં એક નાની એરસ્ટ્રીપ હતી. 27/28 એપ્રિલની રાત્રે આ ઓપરેશનમાં વાયુસેનાના C-130J જેવા ભારે વિમાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ખૂબ જ ટૂંકા રનવે પર નાઇટ લેન્ડિંગની સુવિધા નહોતી. C-130J જેવા એરક્રાફ્ટનું લેન્ડિંગ ઓછી વિઝિબિલિટીના કારણે એક પડકારજનક કાર્ય હતું.


ભારતીય વાયુસેનાના પાયલટોએ જોખમ ઉઠાવતા રાતમાં લેન્ડિગનો નિર્ણય લીધો હતો. તેમણે નાઈટ લેન્ડિંગ માટે નાઈટ ગોગલ્સનો ઉપયોગ કર્યો અને વિમાન સફળતા પૂર્વક ખૂબ જ નાનકડી હવાઈપટ્ટી પર લેન્ડ કરાવ્યું. ત્યાર બાદ અહીં ફસાયેલા દરેક 121 ભારતીયોને લઈને આ વિમાન રાતે જ રવાના થઈ ગયું. ટેક ઓફ માટે પણ પાયલટોએ નાઈટ વિઝનનો ઉપયોગ કર્યો. રેસ્ક્યૂ કરેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી.

આ તરફ વાયુસેના તરફથી જણાવવામાં આવ્યું કે લેન્ડિંગ પછી પણ વિમાનનું એન્જીન સતત ઓન રહ્યું. આ દરમિયાન 8 ગરુડ કમાન્ડોએ યાત્રિઓ અને તેમના સામાનને વિમાનમાં પહોંચાડ્યા. વાયુસેનાએ કહ્યું આ અભિયાનને ભારતીય વાયુસેનાના પોતાના સાહસિક અભિયાન માટે યાદ રખાશે. જોકે આ પહેલા કાબુલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં વાયુસેનાએ આ જ પ્રમાણે દિલધડક ઓપરેશન પાર પાડ્યા છે.