તપાસ@નર્મદા: પ્રાંતની મિટિંગમાં હુમલાનો વિડિયો ક્યાં, ચૈતર વસાવાએ જાનલેવા પ્રયાસ કર્યો હશે?

 
ચૈતર વસાવા
મોડી રાત્રે ગુનો દાખલ થતાં જાહેર થયું કે, ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ઉપર હુમલો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે તાત્કાલિક કરેલી અટકાયત બાદ સમગ્ર મધ્યથી દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઇ છે. આ અટકાયતનું કારણ ગત મોડી રાત્રે જાહેર થયું કે, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી આયોજનની મિટિંગમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો કહ્યા અને બીજું ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ઉપર જાનલેવા હુમલો ગણાવવામાં આવ્યો છે. પોલીસે જાહેર કરેલ એફઆઈઆરમાં સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી કે, મોબાઈલ અને કાચનો ગ્લાસ છુટ્ટો ફેંકી હત્યાનો પ્રયાસ થયો હતો. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, આ કથિત જાનલેવા પ્રયાસ કે હુમલો થયો તે જગ્યા એટલે કે પ્રાંતની મિટિંગમાં વિડિયો થયો હશે? જો વિડિયો થયો હોય તો તાત્કાલિક અસરથી જનતાની જાગૃતિ માટે આ વિડીયો જાહેર કેમ ના થાય ? જાણીએ સમગ્ર અહેવાલ.

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વિકાસના આયોજન માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શનિવારે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં અધિકારીઓ સાથે બંને તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના અનેક લોકો ઉપસ્થિત હતા. આ દરમ્યાન કોઈ વિષય બાબતે શરૂઆતમાં ચકમક અથવા સામસામે દલીલો વધી ગઈ અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. આ ઘટના ખુદ પ્રાંત અધિકારીની હાજરીમાં બની પછી ગણતરીના કલાકોમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હોવાનું જાહેર થયું ત્યારે અચાનક મિટિંગમાં હુમલો કે હત્યાનો પ્રયાસ થયાનું જાહેર થયું. ધારાસભ્ય ચૈતર વસાવાની ખૂબ લાંબા સમય સુધી અટકાયત બાદ સમગ્ર નર્મદા અને ભરૂચ જિલ્લામાં ફેલાઈ ગયું કે, મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ઉપર હુમલો કર્યો હતો. હવે આ હુમલાના સમાચાર લખાય છે ત્યાં સુધી સત્તાવાર વિડિયો જાહેર થયો નથી. જાણીએ નીચેના ફકરામાં આ ફરિયાદ પાછળની સ્થિતિ અને ચોંકાવનારી શક્યતાનો ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે જે ફરિયાદ જાહેર કરી અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જે ગુનો દાખલ થયો તેમાં સૌથી મોટી બે વાત છે. એક સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો બોલાયા અને ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ઉપર કથિત જાનલેવા હુમલો ત્યારે સવાલ થાય કે આ ઘટનાનો વિડિયો ક્યાં? પ્રાંતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિડિયો કવરેજ ના હતું? મિટિંગ રૂમમાં સીસીટીવી ના હતા ? ભરૂચ નર્મદા સાંસદ મનસુખ વસાવા તો ત્યાં સુધી કહે છે કે, પ્રાંત કચેરીએ પોલીસ કર્મચારી પણ પહોંચ્યા હતા. તો પછી શરૂઆતની ચકમક બાદ ગંભીર વાતાવરણ થયું તેને ધ્યાને લઇ કોઈએ વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું? સ્થાનિકોમાં અને ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ખોટી ફરિયાદ ગણાવે છે તો તાત્કાલિક જાહેર જાગૃતિ માટે વિડિયો ફુટેજ કેમ આવતાં નથી? જો આ ફરિયાદને ધારાસભ્ય ચૈતર વસાવા ચેલેન્જ કરશે અથવા ફરિયાદી સજ્જડ પુરાવા કે વધુ પુરાવા પ્રયત્ન કરશે ત્યારે વિડિયો ફુટેજની જરૂર નહિ પડે ? આટલુ જ નહિ, પોલીસ આ ગુના બાબતે જો પ્રાંત અધિકારી સહિતનાને સાક્ષી બનાવે તો ઘટનાના વિડિયો ફુટેજ મદદરૂપ બની શકે ને?