જલ@નગવાવ: પંચાયતની સક્રિયતાથી ગામલોકોને કાયમી પીવાનું પાણી ઉપલબ્ધ, સંકલનથી સરળ બન્યું

 
Dahod
પીવાનું પાણી તેમજ વીજળીની સમસ્યાઓનું નિરાકરણ પણ થયું

અટલ સમાચાર ડોટ કોમ, દાહોદ

નગવાવ ગામમાં છેલ્લા ઘણા સમય અગાઉથી ગામના તમામ લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો હતો. આ દરમ્યાન નલ સે જલ અને રાજ્ય પાણી પુરવઠા એકમના સંકલનને પગલે સરપંચે મક્કમતા દર્શાવી હતી. જેના કારણે હવે ગામલોકોને કાયમી ધોરણે પીવાના પાણીનો ઉકેલ તો મળ્યો જ છે સાથે સાથે પીવાનું પાણી દિવસભર ઉપલબ્ધ રહેતાં મોટી રાહત મળી છે. નગવાવ સરપંચ સંજય પરમારની દેખરેખ હેઠળ પીવાનું પાણી તેમજ વીજળીની સમસ્યાઓનું નિરાકરણ પણ થયું છે. જાણીએ સરપંચની હકીકતલક્ષી મહેનત ગામમાં કેટલો મોટો બદલાવ લાવી શકે તેનો અહેવાલ.


દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગામના વિકાસ અને ગ્રામજનોની સુખાકારી માટે પીવાનું પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ નિયમિત મળી રહે તે અત્યંત જરૂરી હતું. આથી નગવાવ ગામના મહેનતું સરપંચ અને તંત્રના સંકલનથી પીવાના પાણી અને વીજળી સંબંધિત સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે કરવામાં આવતા પ્રયાસો કેટલાક સમય પૂર્વે શરૂ કરવામાં આવ્યા હતા. ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય કે વીજળીની કોઈ મુશ્કેલી, આવી તાત્કાલિક જરૂરિયાત વાળી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય તે માટે ગ્રામજનો ચિંતિત રહેતા હતા. આથી સરપંચ દ્વારા આ બાબતો ઉપર તાત્કાલિક અસરથી નલ સે જલ અને પાણી પુરવઠા એકમ સાથે સંકલન કરવામાં આવ્યુ તેમજ કામગીરી ઉપર દેખરેખ પણ શરૂ કરવામાં આવી હતી. યોજના સંબંધિત કર્મચારીઓ તથા વિભાગો સાથે સંકલન કરીને સમસ્યાઓ દૂર કરવામાં ગામલોકોએ પણ સહયોગ પૂરો પાડ્યો હતો.


પીવાનું શુદ્ધ પાણી દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત હોવાથી સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિતનાએ પાણી સાથે વીજળીની નિયમિત સુવિધા કરવા મથામણ કરી હતી. આ બંને સુવિધાઓ સુચારુ રીતે જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન હોવું જરૂરી હતું. નગવાવ ગામમાં સરપંચની દેખરેખ હેઠળ આ સુવિધાઓને લગતી સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રયાસોથી ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી છે.