મહેસાણાના કટોસણ નજીક કેનાલમાં 16 વર્ષની કિશોરી ડૂબતા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા નજીક કટોસણથી વિસોડા જતા કેનાલમાં કિશોરી ડૂબી હોવાની જાણ થતાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલિક અસરથી મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. જોકે કલાકોની મહેનત છતાં કિશોરી મળી આવી નથી.
મહેસાણાથી 25 કીલોમીટર દૂર કટોસણ નજીક નર્મદા કેનાલમાં વિસોડા ગામની કાજલ બળદેવભાઈ દેસાઈ નામની 16 વર્ષની કિશોરી ડૂબતા વહીવટીતંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે. મહેસાણા ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે જઇ શોધખોળ શરૂ કરી હતી. જોકે સાતેક કલાકની ભારે જહેમત બાદ પણ કિશોરીની લાશ મળી નથી. જેથી કિશોરી આગળ તણાઈ ગઈ હશે એમ માની શુક્રવારે બપોર બાદ ફાયર ટીમ મહેસાણા નગરપાલિકા ખાતે પરત ફરી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે, ઘટના ગુરુવારે બની છતાં પરિવારજનોને હજુ સુધી કિશોરી મળી નથી. કેનાલમાં ડૂબી ગયાની ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈ સામાજિક ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ અને સ્થાનિક તંત્ર માટે કિશોરીને શોધવી સૌથી વધુ મહત્વનું બન્યું છે.