ખળભળાટ@પંચમહાલ: પાણી પુરવઠામાં કૌભાંડ મામલે મહિલા ઈજનેર ભટ્ટ સહિત 2 સસ્પેન્ડ, ચર્ચાસ્પદ કિસ્સો

 
Halol office engineer
ઠેકેદારને ટેન્ડર મારફતે સોંપેલ કામગીરી સ્થળ ઉપર નિયમોનુસાર નહિ માલૂમ પડતાં વિજિલન્સ સેલના રીપોર્ટ આધારે કાર્યવાહી 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાણી પુરવઠા યોજના વર્ષોથી ચાલુ અને તેમાં પણ સુદ્દઢ કરવા સરકારે નલ સે જલ યોજના શરૂ કરી પરંતુ પંચમહાલ જિલ્લામાં કૌભાંડનઘ ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલોલ પંથકમાં અગાઉ મંજૂર થયેલ પાણી પુરવઠા યોજનાની કામગીરી સ્થળ ઉપર નિયમોનુસાર નહિ બાબતે તપાસ ચાલતી હતી. જેમાં વિભાગના વિજિલન્સ સેલની તપાસમાં બહાર આવ્યું કે, નાયબ કાર્યપાલક ઇજનેર વર્મા અને મહિલા મદદનીશ ઈજનેર ભટ્ટ મેડમની શંકાસ્પદ ભૂમિકા મળી છે. યોજનાના કામ બાબતે સરકારને ગેરમાર્ગે દોરી સદર કામનાં ઠેકેદારને 12.76 લાખનું ચૂકવણું કર્યાની બંને કર્મચારીઓની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ થયો છે. પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠામાં કેટલા હદે ભ્રષ્ટાચાર હોવાનો ખુલાસો ખુદ વિભાગની તપાસમાં સામે આવતાં વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પંચમહાલ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી પુરવઠા બોર્ડની યોજનાકીય કામગીરી છે. જેમાં બોર્ડ હસ્તકની હાલોલ સ્થિત જાહેર આરોગ્ય અને સુખાકારી પેટા વિભાગની કચેરી દ્વારા અગાઉના સમયે થયેલી કામગીરી તપાસ હેઠળ આવી હતી. હાલોલ તાલુકાના અદેપુર ફળિયામાં પાણી પુરવઠાનું મંજૂર થયેલ કામ સ્થળ ઉપર કર્યા વગર જ કામગીરી કરી હોવાનું બતાવી રૂપિયા 12.76 લાખનું ચુકવણું કરી દેવામાં આવ્યું હતુંમ. જેની પ્રથમ તબક્કે શંકાસ્પદ ગતિવિધિ જણાતાં પાણી પુરવઠાના વિજિલન્સ સેલની ટીમ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. અદેપુર ફળિયામાં પાણી પુરવઠા યોજનાની કામગીરી માટે મેસર્સ એ.વાય. નામના ઠેકેદારને ટેન્ડર મારફતે કામગીરી સોંપવામાં આવ્યા બાદ સૌથી મોટો વળાંક આવ્યો હતો. સ્થળ ઉપર ટેન્ડર મુજબની કામગીરી નહિ જણાતાં તપાસ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સદર કામમાં હાલોલ પેટા કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંક્ષી ભટ્ટની ગંભીર પ્રકારની નિષ્કાળજી સામે આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજિલન્સ સેલ, વડોદરાની ટીમ દ્વારા ગત ઓક્ટોબર માસમાં કરવામાં આવેલ સ્થળ તપાસનો રિપોર્ટ તૈયાર કરીને સેલના અધિકારીને સુપ્રત કર્યો હતો. આ પછી બોર્ડના નિયમો અને જોગવાઈઓ આધારે નાયબ કાર્યપાલક ઇજનેર વર્મા અને મદદનીશ ઈજનેર ભટ્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નલ સે જલની કામગીરીના વિવાદો વચ્ચે અચાનક પાણી પુરવઠા બોર્ડના હાલોલ પેટા કચેરીના બંને કર્મચારીઓ વિરૂદ્ધ કૌભાંડ મામલે કાર્યવાહીની વાત વાયુવેગે પ્રસરી જતાં પંચમહાલથી માંડી ગાંધીનગર સુધી ચકચાર મચી જવા પામી છે.