ખળભળાટ@કડી: આ બોગસ બી.એડ કોલેજ તાત્કાલિક બંધનો હુકમ, યુનિવર્સિટીના જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન બી.એડ કોલેજ બાબતે અત્યાર સુધીના સૌથી મોટા અને સુનિયોજિત કૌભાંડના સમાચાર આવ્યા છે. કોઈ એક અરજદારે યુનિવર્સિટી અને સરકારને ફરિયાદ કરી હતી કે, કડી નજીકની બી.એડ કોલેજ બોગસ છે અને ભૂતિયા કોલેજનો ઉત્તમ નમૂનો છે. જેની તપાસ કરતાં જે વિગતો આવી તે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્તરે સંકળાયેલાઓ માટે ખળભળાટ સમાન છે. રાજપુરની બી.એડ કોલેજમાં અનેક બાબતે ગંભીરથી પણ અતિ ગંભીર હકીકતો તપાસમાં સામે આવતાં રાજ્ય સરકારે તાત્કાલિક બંધ કરવા હુકમ કર્યો છે. આટલુ જ નહિ, શિક્ષણ વિભાગે આ સમગ્ર કૌભાંડના જવાબદાર અધિકારી/કર્મચારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા યુનિવર્સિટીને હુકમ કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે કાગળ ઉપર ચાલતી અને બોગસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી નામ માત્રની બી.એડ હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ સામે પાટણ આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તપાસ કરી તો સામે શિક્ષણ વિભાગે પણ તપાસ કરી હતી. આ તપાસમાં રાજ્ય સરકારને જે વિગતો મળી તે જાણી વાંચી ચોંકી જશો તેવું ઝડપાયું છે. શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશનની રૂબરૂ તપાસ કરતાં મંજૂરી વગર સ્થળ ફેર એટલે કે કાગળ ઉપર જે સ્થળ દર્શાવેલ ત્યાં શૈક્ષણિક કાર્ય નહોતું તેમજ અનેક સમયથી સ્ટાફ અને વિદ્યાર્થીઓનો અભાવ ધ્યાને આવ્યો હતો. આનાથી પણ અતિ ગંભીર જે ધ્યાને આવ્યું તે વાંચો નીચેના ફકરામાં.
ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 દરમ્યાન કોઈ શિક્ષણ કાર્ય થયું નથી છતાં પરિક્ષા લેવાઇ ગઈ, આંતરિક પરિક્ષાના કોઈ મુલ્યાંકન વગર યુનિવર્સિટી સમક્ષ ઉત્તરવહીનું મુલ્યાંકન પત્રક પહોંચી ગયું, બોગસ શૈક્ષણિક કાર્ય કરી મુલ્યાંકન વગર ડીગ્રી અપાવવાની ગંભીર ગેરરીતિ પણ ધ્યાને લેવામાં આવી છે. આટલું જ નહિ, યુનિવર્સિટીના માન્ય સ્ટાફ વગર અનેક વિદ્યાર્થીઓના એડમિશનથી માંડી આંતરિક પરિક્ષા સુધીની કામગીરીમાં ગેરરીતિ પકડી લેવામાં આવી છે. આ તપાસ રિપોર્ટ આધારે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશનને બંધ કરવા હુકમ કર્યો છે અને તેનાથી મોટો હુકમ યુનિવર્સિટીને કર્યો છે. વાંચો નીચેના ફકરામાં.
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કૌભાંડી જવાબદારો કોણ હવે શોધવા પડશે
શિક્ષણ વિભાગે આ વખતે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ખરેખર જવાબદારી નક્કી કરતો હુકમ પણ સાથે જ કર્યો છે. જેમાં કહ્યું છે કે, આ ગેરરીતિ માટે જવાબદાર અધિકારી હોય કે પદાધિકારી વિરુદ્ધ કાયદાકીય કાનૂની કાર્યવાહી તાત્કાલિક અસરથી હાથ ધરવા યુનિવર્સિટીને હુકમ કરી દીધો છે. આથી યુનિવર્સિટીએ આજે જ એલઆઈસીના સભ્યોને નોટિસ ફટકારી છે. આવતીકાલે આપણે બીજા ન્યૂઝ રીપોર્ટમાં યુનિવર્સિટીના જવાબદારોનો સૌથી મોટો ઘટસ્ફોટ કરીશું.