ખળભળાટ@સુરેલ: કેનાલ બની ત્યારથી ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત, ઈજનેરોની ગંભીર બેદરકારીનો રીપોર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા કેનાલનું નેટવર્ક મોટાભાગની ગુજરાતની ખેતીને સિંચાઇ માટે પાણી પૂરું પાડી રહ્યું અને તેની વાહવાહી ઈજનેરો લઈ રહ્યા પરંતુ પાટડી તાલુકાના ઝીંઝુવાડા નજીકના ગામો આઝાદીથી નર્મદા કેનાલનું પાણી સિંચાઇ માટે મેળવી શક્યા નથી. અહીં નર્મદાનાં ઈજનેરોએ ઓપન અને અન્ડર ગ્રાઉન્ડ નેટવર્ક કરી અને તેની જાળવણી માટે લાખો કરોડો ખર્ચી દીધા છતાં સિંચાઇ માટે ખેડૂતોને પાણી મળ્યું નથી. આ બાબતે પાટડી અને મહેસાણાની નર્મદા કચેરીના ઈજનેરોએ ખેડૂતો સાથે નિગમ અને સરકાર સાથે પણ વિશ્વાસઘાત કર્યો હોવાના સવાલો ઉભા થઇ રહ્યા છે. અંતરીયાળ ગામ હોવાથી અને જાગૃતિનો અભાવ હોવાથી અહીં ઈજનેરોને બેફામ ખર્ચા કરવાની તક મળી છે ? આ સવાલ એટલા માટે કે, ભાજપની સરકારે અહીં પાણી માટે તનતોડ મહેનત કરી પરંતુ જવાબદાર ઈજનેરોને કારણે આજેપણ અહીંના ખેડૂતો ચોમાસું પાણી ઉપર નિર્ભર છે. જાણો લખલૂંટ ખર્ચા છતાં ખેડૂતોની પાણી વગર દયનીય સ્થિતિનો આ સ્પેશ્યલ રીપોર્ટ.
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ પાસેના આદરીયાણા સહિતના ગામોમાં નર્મદા કેનાલનું નેટવર્ક છે. અહીં આગળ જતાં નવા, રોઝવા અને સુરેલ પછી છેલ્લે વિસનગર સહિતના ગામોના ખેડૂતોની લાખો વીઘા જમીન આવેલી છે. હવે રોઝવા પછીના સુરેલ અને વિસનગર ગામો ઉંચાઈ પર હોવાથી નર્મદા કેનાલના ઈજનેરોએ અહીં સરેરાશ 9થી 10 કિલોમીટર અન્ડર ગ્રાઉન્ડ લાઈન નાખી છે અને સુરેલના ખારી પટ્ટીના ખેતરોમાં ઓપન અતિમાઇનોર કેનાલ પણ કરેલી છે. ખારી પટ્ટીના વરસાણીયા, આકડિયા અને ખારા સહિતની હજારો લાખો વીઘા જમીનને સિંચાઈ માટે નર્મદાએ ઓપન કેનાલ પાંચેક વર્ષ પહેલાં કરેલી છે. આ કેનાલ બનાવી ત્યારથી આજદીન સુધી ખેડૂતોને અહીં નર્મદાનું પાણી સિંચાઇ માટે મળ્યું નથી. એટલે કે, નર્મદા કેનાલ નેટવર્કનો જન્મ થયો ત્યારથી આમ તો આઝાદી કાળથી નર્મદાનું પાણી સિંચાઇ માટે મળ્યું નથી. આ હકીકત છતાં નર્મદાના ઈજનેરોએ કેટલા હદે ખેડૂતોની વેદના દબાવી તે વાંચો નીચેના ફકરામાં.
ખુદ નર્મદા કેનાલના ઈજનેરોએ અહીં અન્ડર ગ્રાઉન્ડ અને ઓપન કેનાલ બનાવેલી અને અઢળક ખર્ચાઓ કર્યા છતાં આજે જાણકારી ના હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાટડી અને મહેસાણાની નર્મદા કચેરીને જાણ થતાં ગત દિવસે મુલાકાત લઈ રૂપેણ નદી વિસ્તારના ખેડૂતોને મળી બધું બરાબર હોવાનું રીપોર્ટીંગ કરી નિકળી ગયા હતા. આ બાબતે સવાલ કરતાં જે જવાબ મળ્યો તે સાંભળી ખુદ અહીંના ખેડૂતોને પગ તળેથી જમીન સરકી જાય તેવી નોબત આવી પડી છે. ખારી પટ્ટીમાં ઓપન કેનાલનો લાખો કરોડોનો ખર્ચ કર્યો છતાં મહેસાણા નર્મદા કચેરીના ઇજનેર રાજપાલ જણાવે છે કે, ત્યાં ઓપન કેનાલ નથી. આટલું જ નહિ રાજપાલભાઇ જણાવે છે કે, માત્ર ગત વર્ષે સુરેલ ગામનાં ખેડુતોને સિંચાઇ માટે પાણી નહોતું મળ્યું બાકી દર વર્ષે મળતું આવ્યું છે. હકીકતમાં ખારી પટ્ટીના ખેડૂતોએ ઓપન કેનાલમાં ક્યારેય પાણીનું ટીપું જોયું નથી અને સુરેલ ગામનાં 80 ટકાથી વધુ ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી આજદિન સુધી મળ્યું નથી છતાં પાટડી અને મહેસાણાની નર્મદા કચેરી પાણી મળ્યું હોવાની દલીલ કરે છે તો આ વિશ્વાસઘાત નથી તો બીજું શું? આટલું જ નહિ, અહીંના ખેડૂતો સાથે સાથે મહેસાણા નર્મદા કચેરીના ઈજનેરોએ ખુદ નર્મદા નિગમ અને રાજ્ય સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો એમ ના કહેવાય?
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેલ અને વિસનગર ખેત વિસ્તારમાં નર્મદા કેનાલ કચેરીએ છેલ્લા 7 વર્ષમાં કરેલા ખર્ચાઓ, વડી કચેરીને કરેલ રિપોર્ટીગ અને કલ્પસર વિભાગને આપેલ ડેટાની ઝીણવટભરી તપાસની જરૂર હોવાનું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે. અહીંના ખેડૂતો તેમનાં જન્મથી આજદિન સુધી વ્યક્તિગત બોર, તળાવ અથવા ખુદની જમીનમાં કૂવો કરી સિંચાઇ કરી રહ્યા છે જ્યારે મોટાભાગના ખેડૂતો ચોમાસું આધારીત ખેતી કરી રહ્યા છે. જો સુરેલ અને વિસનગરના તમામ ખેત વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ થાય તો ખેડૂતોને સમૃદ્ધ થવાની તક મળે તેમ છે. કેમ કે, વ્યક્તિગત બોરનું પાણી લઇ ખેડૂતો મહામૂલા પાકની ઉપજનો ત્રીજો હિસ્સો આપવા મજબૂર છે. હકીકતમાં અહીં નર્મદા કેનાલ બાબતે જો ઉચ્ચ કક્ષાએથી ધોરણસરની તપાસ થાય તો અત્યાર સુધીના જવાબદાર ઈજનેરો અને અધિકારીઓ સામે સરકાર કાર્યવાહી કરી શકે તેવો ખુલાસો થાય તેવી સ્થિતિ છે.