ખળભળાટ@સાબરકાંઠા: મનરેગામાં રોપા ખરીદી કૌભાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, FIR ક્યારે

 
સાબરકાંઠા
લેબર અને મટીરીયલ બાદ સાબરકાંઠા જિલ્લાના 5 તાલુકાની મનરેગા શાખાના કૌભાંડનો આ સૌથી મોટો ખુલાસો 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખા દ્વારા વર્ષ 2023 માં થયેલી બાગાયતી કામગીરીમાં કૌભાંડનો સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. નર્સરી મામલે એક ચોંકાવનારો ખુલાસો થતાં રેકર્ડ ઉપરનું કૌભાંડ સપાટી ઉપર આવ્યું છે. કૌભાંડીએ લાલચમાં આવી જે તે વખતે માન્ય વગરની નર્સરી પાસેથી ખરીદી કરી રેકર્ડ ઉપર કૌભાંડ કરી દીધું છે. બીલો મૂકી ગ્રાન્ટ ખેંચવા તાત્કાલિક અસરથી હોર્ટિકલ્ચર બોર્ડનું એક્રેડિએશન લેવા ખૂબ દોડધામ કરી પરંતુ છેક ફેબ્રુઆરી 2024 માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની મંજૂરી આવી હતી. લેબર અને મટીરીયલ બાદ સાબરકાંઠા જિલ્લાના 5 તાલુકાની મનરેગા શાખાના કૌભાંડનો આ સૌથી મોટો ખુલાસો છે. જાણીએ વિગતવાર.

સાબરકાંઠા જિલ્લા પંચાયત હેઠળના 5 તાલુકામાં મનરેગા હેઠળ બાગાયતી પાક માટે રોપા વાવેતરની કામગીરી થઇ હતી. સરેરાશ 4 કરોડથી વધુ રકમના લેબર અને મટીરીયલ ખર્ચ મામલે અગાઉ બીલની તારીખના ઘટસ્ફોટ બાદ અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી વિગતનો ખુલાસો થયો છે. મળતિયા અને તાલુકાના અમલીકરણ સહિતનાએ જે વખતે સદર એજન્સીના બીલો આધારે રોપાની ગ્રાન્ટ ચૂકવી તે રોપાવાળી એજન્સી માન્યતા ધરાવતી નહોતી. મનરેગાની જોગવાઈ છે કે, બાગાયત માટેના રોપા ફરજીયાત ધોરણે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનુ એક્રેડિએશન ધરાવતી નર્સરી પાસેથી ખરીદવા. જોકે સાબરકાંઠા જિલ્લાના પાંચેય તાલુકા પંચાયતે માન્યતા વગરની નર્સરી પાસેથી કરોડોના રોપા ખરીદી લીધા હતા. ઓનલાઇન કરેલા બીલોની ચૂકવણી વખતે આ બાબત ધ્યાનમાં આવતાં દોડધામ મચી હતી પરંતુ સૂબેદારની સુચના હોઈ કોઈ બોલી શક્યું નહોતું. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકાની ટીમે કેવી રીતે અને કેમ માન્યતા વગરની નર્સરીના બીલો પાસ કર્યા ? જાણકારોના મતે શરૂઆતમાં બીજી નર્સરી હતી જે માન્યતા ધરાવતી હતી પરંતુ સૂબેદાર અને મળતિયાઓએ લાલચમાં આવી તાત્કાલિક નવી નર્સરી ઉભી કરી/શોધી લીધી પરંતુ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનુ એક્રેડિએશન ના હતુ. આમ છતાં તમામ નિયમો, જોગવાઈઓ દરકિનાર કરી ગેરકાયદેસર રીતે ખરીદી કરી, બીલો મૂકી, જોગવાઈ વિરૂદ્ધ ગ્રાન્ટ ચૂકવી સરકાદને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. સદર કેસ મામલે લોકપાલે જણાવ્યું કે, કમિશ્નર કચેરીમાં જાણ કરી હોઈ તપાસની સુચના મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય એક કૌભાંડમાં નોટીસ આવી છે.


સાબરકાંઠા જિલ્લાના અન્ય એક તાલુકાના ગામમાં કામગીરી કર્યા વગર ચૂકવણું કર્યા મામલે પણ કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે. ગાંધીનગરથી આવેલી એક ટીમે સદર કેસમાં રીપોર્ટ આપતાં મનરેગા કમિશ્નરે ડીડીઓ અને નિયામકને નોટીસ આપી ધોરણસરનુ કરવા કહ્યું છે.