ખળભળાટ@શહેરા: 1 કરોડના કૌભાંડની FIRમાં સરપંચ આરોપી પરંતુ તત્કાલીન તલાટીનો બચાવ, સ્પેશિયલ રિપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગામમાં સરકારી યોજનાઓ પેટે આવેલી ગ્રાન્ટ રીતસર ચાંઉ કરી જવા મામલે સરપંચ બરોબરના ભરાઇ ગયા છે. ભરાઇ ગયા એટલે કે, ટીડીઓએ ભૂતપૂર્વ અને ચાલુ સરપંચ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પરંતુ તત્કાલીન તલાટીનો આબાદ બચાવ કેવી રીતે અને કેમ થયો તે બાબતે ચોંકાવનારી પરિસ્થિતિ બની છે. ડીડીઓના આદેશને પગલે અને તપાસ રિપોર્ટ આધારે ફરિયાદ દાખલ થઇ પરંતુ સરકારની વિવિધ ગ્રાન્ટ સરપંચ અને તલાટીના જોઈન્ટ એકાઉન્ટમાં આવે છે તો તલાટીની જવાબદારી સૌથી મોટો સવાલ સર્જે છે. આ બાબતે ફરીયાદી ટીડીઓ પટેલને પૂછતાં જણાવ્યું કે, ડીડીઓનો હુકમ હતો અને બાકી પોલીસ તપાસમાં જે નિકળે તેની સામે પોલીસ કાર્યવાહી કરશે. જોકે સરપંચ પિતા પુત્ર આરોપી બન્યાં પરંતુ ગ્રાન્ટ મેળવનાર અને ખર્ચ કરનાર સંબંધિતો કેમ જવાબદાર નહિ તે મુદ્દો પંચાયત આલમમાં ચકચારી બની ગયો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડારા ગામે છેલ્લા પાંચ સાત વર્ષ દરમ્યાન નાણાપંચ, ટીએસપી, એમએલએ, એટીવીટી અને એમપી સહિતની અનેક યોજનાકીય ગ્રાન્ટ આવી હતી. આ ગ્રાન્ટથી જોગવાઈ મુજબ અસંખ્ય કામો કરવાનાં થતાં હતાં પરંતુ કેટલાક કામો સ્થળ ઉપર નહિ હોવા મામલે તપાસ થઇ હતી. તપાસમાં સામે આવ્યું કે, મોર ઉંડારા ગામે પૂર્વ સંરપંચ અને વર્તમાન સરપંચના સમયમાં કુલ 59 કામો ફક્ત કાગળ ઉપર બતાવી એક કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે. આ તપાસ રીપોર્ટમાં જાણમાં મળ્યું કે, મોર ઉંડારા ગામના ભૂતપૂર્વ સંરપચ સોમાભાઈ બાપુજી પગી અને હાલના સરપંચ મહેશભાઈ સોમાભાઈ પગીએ 2015થી લઈ 2022-23 સુધીમાં નાણાપંચના વિકાસના કામો, વિવેકાધીન જોગવાઈના કામો, એમએલએ ગ્રાન્ટના કામો, ટ્રાયેબલ સબ પ્લાન સહિતના કુલ કામો પૈકી 59 કામો સ્થળ ઉપર કર્યા વગર ઉચાપત કરી ગેરરીતિ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટ આધારે ડીડીઓ બારીયાએ શહેરા T.D.O પાર્થ પટેલને ધોરણસરની ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. આ ફરિયાદની વિગતો મુજબ ગ્રામ પંચાયતમા 59 જેટલા સ્થળો ઉપર કર્યા વગર એટલે કે કાગળ ઉપર કરીને કુલ રૂ.1,01,87000 જેટલી રકમનું ચુકવણું કરી સરકારને નુકસાન કર્યું છે. જોકે સૌથી મોટો સવાલ ત્યારે આવ્યો કે, સમગ્ર કૌભાંડ કે ગેરરીતિ અથવા ઉચાપત/છેતરપિંડીમાં શહેરા પોલીસ મથકે દાખલ થયેલ ફરિયાદમાં મોર ઉંડારાના પૂર્વ સરપંચ અને હાલના સરપંચ આરોપી બન્યા પરંતુ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીની જવાબદારી કેમ ના શોધી ? આ બાબતે ટીડીઓ પાર્થ પટેલ જણાવે છે કે, એ તો હવે પોલીસ શોધશે જ્યારે ડીડીઓના હુકમ મુજબ ફરિયાદ કર્યાની વાત કરી હતી. હવે શહેરા પોલીસ પણ ફરિયાદ મુજબ ધોરણસરની તપાસમાં લાગી છે.