ખળભળાટ@સંજેલી: ગામલોકોએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા અજમાવ્યો કિમીયો, દરેક કામની તકતી લગાવો

 
Sanjeli
ગેરરીતિ આચરી હોવાનો દાવો ખુદ ગામલોકોએ કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સંજેલી તાલુકામાં અવારનવાર ગ્રામ કક્ષાએથી ભ્રષ્ટાચારની બૂમરાણો આવતી રહે પરંતુ સૌથી મોટા ડુંગરા ગૃપ ગ્રામ પંચાયત હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારનુ ભૂત ફરી ધુણ્યુ છે. ગામલોકોએ સૌથી મોટો આક્ષેપ કર્યો કે, સત્તાધીશોએ એક કામને અનેક જગ્યાએ બતાવી, સિસ્ટમમાં ખોટાં ફોટા અપલોડ કરી, તપાસ ટીમને જાણીજોઈને ગેરમાર્ગે દોરી મહા ભ્રષ્ટાચાર આચર્યો છે. આથી હવે ગામલોકોએ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા અને સરકારના હિતમાં મોટી માંગણી મૂકી છે. ગામલોકોએ લેખિતમાં જણાવ્યું છે કે, ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનામાંથી થયેલ તમામ કામોની ગામલોકોને ખબર પડે તે હેતુથી તકતી લગાવવામાં આવે. એક એક કામની અલગ અલગ તકતીઓ લગાવવાથી દુબાર કે તિબાર કામો પકડાઇ જશે. આ સાથે રાજ્ય કેન્દ્ર સરકારની યોજનાનો પ્રચાર પ્રસાર પણ થઈ જશે, કેમ કે દરેક કામની તકતી લગાવાની જોગવાઈ હોઈ ગામલોકોએ મોટો દાવ અજમાવ્યો છે. વાંચો નીચેના ફકરામાં 


દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગૃપ ગ્રામ પંચાયત કચેરી હેઠળ અણીકા, સરોરી, લવારા, કકરેલી અને ડુંગરા સહિત 5 ગામોનો સમાવેશ થાય છે. અહિં ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતને વર્ષ 2018થી 2024-25 દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં કામોની મંજૂરી મળી છે. નાણાપંચ, એટીવીટી, વિકાસશીલ, ટીએસપી, એમપી, એમએલએ, સ્વચ્છ ભારત મિશન, મનરેગા સહિતની અનેક જગ્યાએથી સદર વર્ષોમાં ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતને વિકાસકામોની મંજૂરી મળી છે. જોકે તલાટી, સરપંચ, અને તલાટી, વહીવટદાર સહિતનાએ ભેગા મળીને ખૂબ ભ્રષ્ટાચાર આચરી એક કામને અનેક યોજનામાં બતાવી સરકારને આંખમાં ધૂળ નાખી ગેરરીતિ આચરી હોવાનો દાવો ખુદ ગામલોકોએ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામલોકોએ અગાઉ ભ્રષ્ટાચાર શોધવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ જેના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજી થઈ હતી તેવા તલાટી સહિનાને તપાસ દરમ્યાન સાથે રાખવામાં આવ્યા હતા. જેથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો નહિ ભેગા મળીને ગેરરીતિ દબાવી દીધી છે. વાંચો ગામલોકોએ શું કહ્યું
ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતના રહીશોની નમ્ર અરજ કે, ડુંગરા ગ્રૂપ ગ્રામ પંચાયત - અણિકા, ડુંગરા, સરોરી, લવારા, કકરેલી ગામના વિસ્તારમાં વિકાસલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા મંજુર થયેલ કામો બેવડાય નહી તે બાબતે કામવાઈસ અલગ-અલગ યોજનાકીય ગ્રાન્ટ ફાળવેલ હોઈ, દરેક કામની પૂર્તતા કરવામાં આવે. તથા ગામ લોકોની જાણકારી તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે તકતીઓ લગાવવા માટે ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતને તાકીદ કરવામાં આવે. ગૃપ ગ્રામ પંચાયત ડુંગરાની નજીકના સમયમાં પંચાયત ચુંટણી આવવાની હોઈ અગાઉના પદાધિકારી દ્વારા જે કામો થયેલ હોય તેની સ્પષ્ટતા થઈ આવવા આપ સાહેબને વિનંતી છે. જેની અલગથી ડુંગરા ગૃપ ગ્રામ પંચાયતની મીટીગમાં જાણકારી આપવા વિનંતી કરાઇ છે.