ખુશી@ખારાપાટ: ઠંડીથી રાહત માટે અગરીયા પરિવારોને કીટ વિતરણ, જીવદયા મંડળ અને સાથીઓની કામગીરી
અટલ સમાચાર ડોટ કોમ, પાટડી
પાટડી તાલુકાના ખારાપાટ વિસ્તારમાં વર્ષોથી તનતોડ મહેનત કરી મીઠાનું ઉત્પાદન કરતાં પરિવારો ઠંડી વચ્ચે ગુજરાન ચલાવી રહ્યા છે. અહીંના પરિવારોની રૂબરૂમાં મુલાકાતથી જીવદયાપ્રેમીઓએ નોંધ્યું હતું કે, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ કપડાં અને જરૂરી કીટની જરૂરિયાત છે. આથી અમદાવાદ સ્થિત પદ્માવતી જીવદયા મિત્ર મંડળ અને પાટડી, દસાડા વિસ્તારના શિક્ષણ પ્રેમી/અગ્રણીઓ આગળ આવ્યા છે. અગરિયા પરિવારના બાળકો, મહિલાઓ, વૃધ્ધો સહિતનાઓને રૂબરૂ મળી કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. જાણીએ સમગ્ર વિગત.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા/પાટડી તાલુકાના ઝીંઝુવાડા અને ખારાગોઢા ગામ નજીકના રણ વિસ્તારમાં વર્ષોથી અનેક અગરિયા પરિવારો મીઠાનુ ઉત્પાદન કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. આ પરિવારોને ખુલ્લા રણમાં અત્યંત કડકડતી ઠંડી વચ્ચે મીઠાંનુ ઉત્પાદન ખૂબ મોટો પડકાર રહે છે. આ બાબતને ધ્યાને લઈ પદ્માવતી જીવદયા મિત્ર મંડળ, અમદાવાદના આર્થિક સહયોગથી શિક્ષણના સારથી ગણેશભાઇ રાઠોડ (કોચાડા) અને તેમની ટીમે ગરમ ધાબળા, સ્વેટર, ટોપીઓ અને મહિલાઓને સ્કાફ તેમજ અનાજની કીટનુ વિતરણ કર્યું હતુ. આ સાથે શરીરની સુરક્ષા માટે મદદરૂપ વેસેલીન અને બાળકોને ચવાણું, બિસ્કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. ઠંડીમાં રાહત આપતાં ધાબળા, સ્કાફ તેમજ અનાજની કીટ સાથે બાળકોને નાસ્તો આપતાં દરમ્યાન અગરિયા પરિવારોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. આ દરમ્યાન પદ્માવતી જીવદયા મિત્ર મંડળ અમદાવાદના દાતાઓ, ગણેશભાઇ રાઠોડ, જેઠાભાઇ સોમેશ્વરા અને હીરાભાઈ તલાટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પદ્માવતી જીવદયા મિત્ર મંડળ દ્વારા અગાઉ પણ ખારાપાટ વિસ્તારની શાળાઓમાં પંખા અને સ્ટેશનરી જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.