ખુશી@સાંતલપુર: કુપોષિત બાળક આખરે તંદુરસ્ત થતાં આંગણવાડીની મહેનત ફળી, પરિવાર આનંદિત થયો

 
સાંતલપુર
દર માસે કેન્દ્ર ઉપર બાળકનું વજન અને ઊંચાઈ કરવામાં આવે છે

સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આરોગ્ય અને શિક્ષણ અપાય છે. રાજ્યના આઇસીડીએસ હેઠળ બાળકોને જરૂરી ભોજન પણ અપાય છે ત્યારે આ ગામના એક બાળકની ગાથા અનેરી છે. દેખાવે બાળ કનૈયા જેવું બાળક ઘણાં સમયથી કુપોષિત હોઈ આંગણવાડીની મહેનતથી તંદુરસ્ત એટલે કે નોર્મલ સ્થિતિમાં આવ્યો છે. કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનને ખૂબ જ પ્રામાણિકતાથી અમલ કરતાં તેડાગર, કાર્યકરથી માંડી ઘટક સુધીની મહેનત રંગ લાવી છે. 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા સેજા હેઠળના જાખોત્રા 3 આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા તેડાગર બહેન અને કાર્યકરની મહેનતથી દરરોજ અહિં આવતા બાળકને કુપોષણમાંથી બહાર લાવવામાં મોટી સફળતા મળી છે. બાળકને તીવ્ર કુપોષણ કેટેગરીમાંથી બહાર લાવી સ્વસ્થ સ્થિતિમાં લાવતાં પરિવાર પણ ખુશ થયો છે. માત્ર વજન ન નહિ પરંતુ બાળકની ઊંચાઈમાં પણ સુધારો થયો અને બાળકના ગ્રેડમાં પણ સુધારો થયો છે. આ બાળક હવે નોર્મલ ગ્રેડમાં આવતાં ઘટક સુધીની ટીમની મહેનત રંગ લાવી છે. બાળકની વિગત જોઈએ તો લાભાર્થી જાખોત્રા આંગણવાડી હેઠળ આવે છે ત્યારે ગત માર્ચ 2025 દરમ્યાન બાળકનું વજન 9.500 અને ઊંચાઈ 81.5 સેમી હતી. જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 દરમ્યાન બાળકનું વજન 10.100 અને ઊંચાઈ 84.5 સેમી આવી છે.           


સૂત્રોએ જણાવ્યું હતું કે, સમસ્યા નિવારણ માટે દર માસે કેન્દ્ર ઉપર બાળકનું વજન અને ઊંચાઈ કરવામાં આવે છે તેમજ ટેક હોમ રાશનમાંથી બનાવેલ શીરો બાળકને જમાડવામાં આવે છે. દૂધ સંજીવની અંતર્ગત બાળકોને નિયમિત દૂધ આપવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગના સંકલન સાથે બાળકની આરોગ્ય તપાસ પણ સમયાંતરે કરાવવામાં આવે છે. આંગણવાડીનો ગરમ નાસ્તો આપવામાં આવે ત્યારે કાર્યકર દ્વારા બાળકની ગૃહ મુલાકાત પણ થાય છે. જેમાં નિયમિત આંગણવાડી કેન્દ્ર ઉપર આવવા માટે સમજણ અપાય છે. આ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવામાં આવે છે.