ખુશખબર@ગુજરાત: 50 લાખ સરકારી કર્મચારીઓના પગારમાં દર મહિને 1000નો વધારો

 
કર્મચારી પગાર

કેન્દ્રીય કર્મચારીઓને હવે 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શરો માટે હોળી પહેલાં દિવાળી આવી છે. સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓને રાજીના રેડ કરી દીધા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી છે.કેન્દ્રીય કર્મચારીઓને હવે 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેનો લાભ આશરે 1 કરોડ  કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. સરકારની જાહેરાત બાદ તેઓને બે મહિનાનું એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ દેશના મોંઘવારી દર પર આધારિત છે. જો મોંઘવારી દર વધુ છે તો ડીએમાં વધારે વધારો થાય છે.

સરકારની નવી જાહેરાત બાદ મોંઘવારી ભથ્થું 50 ટકાએ પહોંચી જશે. સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર જો ડીએ 50 ટકા સુધી પહોંચી જાય તો હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થશે. આ વધારા સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેક હોમ પગારમાં વધારો થવાનું નક્કી છે. તમને જણાવી દઈએ કે સાતમાં પગાર પંચ પ્રમાણે હાઉસ રેન્ટ એલાઉન્સને ત્રણ કેટેગરીના શહેરો હેઠળ વિભાજીત કરવામાં આવ્યું છે.