અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામે તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. છેક 1981માં ગામના જરૃરિયાતમંદોને હરાજીથી પ્લોટ લીધા બાદ હજુસુધી કબજો મેળવી શક્યા નથી. તાલુકા પંચાયતને મામલતદાર કચેરીએ ભોળા અને અભણ 30થી વધુ લાભાર્થીઓ ધક્કા ખાઈ થાકી ગયા છે. આ તરફ કેટલાક આધારપુરાવા સહિતના ડોક્યુમેન્ટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.
સ્વયં કબજો મેળવી લેતા કેટલાકે દબાણ પણ કરી દીધું છે. આ તરફ બાકીના 30થી વધુ લાભાર્થીઓ છેલ્લા કેટલાક વર્ષતી કબજો મેળવવા મથી રહ્યા છે. ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતને વર્ષ 1981નુ રેકર્ડ મળતું ન હોવાથી પ્લોટના પરિવારોને આભ ફાટી પડ્યાની સ્થિતિ બની છે. સુત્રોએ જણાવ્યું હતું કે લાખણી તાલુકા પંચાયતને જમીન માગણી અને માપશીટ સહિતની વિગતો મેળવવા મથામણ આદરી છે. હકીકતે 30 પૈકીના કેટલાક લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ હેઠળની યાદીમાં હોવાથી તંત્રને આવાસનો લક્ષ્યાંક પૂર્ણ કરવા દોડવું પડે તેમ છે.
લેઆઉટ પ્લાન આવી ગયા બાદ કબજો સોંપાશેઃ TDO
આ અંગે લાખણી તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે મારા ધ્યાને હમણા જ મડાલ ગામના પ્લોટ કબજા હક્કની બાબત આવી છે. આથી નગરનિયોજકની કચેરીએ લે-આઉટ પ્લાનની દરખાસ્ત કરી છે. પ્લાન મળી ગયા બાદ માપણીને આધારે કબજા સોંપવામાં આવશે.
(રિપોર્ટ ઃ રામજી રાયગોર-પાલનપુર)